ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ખેત, ખેડૂત અને ખેતી.
ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ
ખેત, ખેડૂત અને ખેતી.
ખેત, ખેડૂત અને ખેતી.
અત્યારે સમગ્ર વિશ્વમાં, પ્રત્યેક દેશમાં 'કોરોના' મહામારી ચાલી રહી છે. દરેક દેશ આ મહામારી સામે લડી રહ્યો છે. સરકારી સંસ્થાઓ, પ્રાઇવેટ સંસ્થાઓ, કારખાના, ફેક્ટરીઓ બધું જ ઠપ થયી ગયું છે. જાહેર બાંધકામ, સરકારી સેવાઓ, પ્રાઇવેટ સેવાઓ, પરિવહન, ઉદ્યોગો બધું જ બંધ કરીને લોકો પોતાનો જીવ બચાવીને ઘરમાં બેઠા છે. અને આ બધામાં સરકાર અને લોકોને આર્થિક રીતે ફટકો પણ પડી રહ્યો છે. અત્યારે કોઈ પણ માણસ આ પરિસ્થિતિ સામે લાચાર છે. ભારત સહિત દરેક દેશને લૉક ડાઉનના કારણે આર્થિક રીતે થયેલા નુકશાનની ભરપાઈ કરવામાં અને અર્થતંત્રને પાછું બેઠું કરતા વર્ષો લાગી જશે.
જ્યારે અમુક દેશ અને તે દેશની સરકાર અર્થતંત્ર અને લૉક ડાઉન કરવાના કારણે થઈ શકતા આર્થિક નુકશાનના ડરના કારણે લૉક ડાઉન કરવાનું મુલતવી રાખ્યું છે. અમેરિકા જેવા સુપર પાવર દેશમાં જ્યારે કોરોના વાઇરસે દસ્તક દીધી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે 'અમેરિકા દેશ લૉક ડાઉન માટે નથી બન્યો.' તે તેમનું ઘમંડ કે સુપર પાવર નહીં, પણ ડર બોલી રહ્યો હતો. તે જાણે છે અને ડરે છે કે જો દેશમાં લૉક ડાઉન થશે તો દેશને આર્થિક રીતે બહું નુકશાન થશે. દેશનું અર્થતંત્ર ખોરવાઈ જશે અને દેશ આર્થિક દ્રષ્ટિએ પછાત થઈ જશે. અને તેમના આ નિર્ણયની અસર આપણે હાલ રોજ સમાચારમાં જોઈ રહ્યા છીએ. જ્યારે ભારત સરકારે દેશના એર્થતંત્રની ચિંતા કર્યા વિના લૉક ડાઉનનો જે નિર્ણય લીધો છે તે અવકારણીય છે. અને આ નિર્ણયની પ્રશંસા દુનિયાના તમામ દેશ અને સંયુક્ત રાષ્ટ્ર (UN) પણ કરી રહ્યું છે.
હમણાં જ સંયુક્ત રાષ્ટ્રએ (UN) તેના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે લૉક ડાઉનના કારણે ભારત દેશ દસ વર્ષ પાછળ ધકેલાઈ જશે. અને તે હકીકત છે જે ભારતે પણ સ્વીકારી છે. ભારતમાં પણ હાલ ઉદ્યોગો, સંસ્થાઓ, સેવાઓ, અર્થતંત્ર બધું જ ઠપ છે. સરકારની આવક બીલકુલ બંધ છે જ્યારે સામે ખર્ચ બમણો થઈ ગયો છે. ભારત સરકારને હાલ લૉક ડાઉનના કારણે એક અઠવાડિયામાં 'બે બિલિયન અમેરિકન ડોલરનું' નુકશાન થઈ રહ્યું છે. સમયાંતરે સરકાર ગરીબ પરિવાર માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડે છે. ક્યાંક ખાતામાં પૈસા નાખે છે તો ક્યાંક અનાજનું વિતરણ કરે છે. સરકારની તિજોરીમાંથી માત્ર પૈસા જ નહીં, અનાજ પણ ખાલી થઈ રહ્યું છે. સરકારથી થતા તમામ પ્રયાસ સરકાર કરી રહી છે.
દુનિયાના તમામ અર્થશાસ્ત્રીઓ અને આઈએમએફ એ પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે કે દુનિયાનું અને અનેક દેશોનું (ભારત) અર્થતંત્ર આ મહામારીમાં ખોરવાઈ જશે અને દુનિયાને તેની ભરપાઈ કરવામાં વર્ષો લાગી જશે. કેમ કે લૉક ડાઉન અને આ મહામારીના કારણે માણસો ઘરમાં રહેવા માટે મજબૂર થયા છે. જેથી કરીને નાના-મોટા બધા જ ઉદ્યોગો, સેવાઓ, બાંધકામ બધું બિલકુલ બંધ થઈ ગયું છે. ભલે ને પછી તે સરકારી હોય કે ખાનગી. આ તમામ અર્થશાસ્ત્રીઓની વાત સાચી જ છે.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે કોઈ પણ દેશ બિઝનેશ અને ખાસ કરીને બિઝનેસમેનથી જ ચાલે છે. આપણે માણીયે છીએ કે દેશના અર્થતંત્ર માટે બિઝનેસ જરૂરી છે. પણ માત્ર એવું ધારીને બેસવું કે દેશ માત્ર બિઝનેસમેનથી ચાલે છે તો તે વાતમાં સમર્થન નથી. દુનિયાની 60% કરતા પણ વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. જ્યારે વિશ્વના કુલ આર્થિક ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 6.4% થી વધું છે. જે ભારત અને ચીન 20% અને 8% ભાગીદારી ધરાવે છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. પણ કેવી રીતે? ભારતમાં વર્તમાનમાં કુલ વસ્તીના 50% થી વધું વસ્તી ખેતી પર નિર્ભર છે, અને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે ખેતી ભારતની કુલ જીડીપી માં 18% કરતા વધું હિસ્સો ધરાવે છે. આ 50% વસ્તી માત્ર પોતાનું ઘર નહીં, દેશને પણ ચલાવે છે.
ખેત, ખેડૂત અને ખેતી વિના કોઈ પણ દેશનું અર્થતંત્ર માત્ર બિઝનેસ ઉપર નિર્ભર થઈને પોતાના લક્ષ્યો પાર ના પાડી શકે. કેમ કે મોટા ભાગના બિઝનેસ એવા છે કે જે ખેતી પર નિર્ભર કરે છે, અને ખેત પેદાશોની કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સવારે ઉઠીને પીવા જોવતી ચા. જયારે ભારતમાં સૌથી વધું રોજગારી પણ ખેતી જ પુરી પાડે છે. ચાહે તે સંગઠિત ક્ષેત્ર હોય કે પછી અસંગઠિત ક્ષેત્ર. અમુક વાસ્તવિકતા એવી છે કે જેને જાણીને સ્વીકારવી જોઈએ અને દેશમાં ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ.
ભારતના ઇતિહાસમાં રાજ મહારાજાઓના સમયથી ખેતીને મહત્વ અપાતું આવ્યું છે. જ્યારે 1951-56 ના સમયગાળામાં પ્રથમ પંચવર્ષીય યોજનામાં પણ સૌથી વધું મહત્વ ખેતી ક્ષેત્રને આપવામાં આવ્યું હતું. જ્યારે આખી દુનિયા દ્વિતીય વિશ્વ યુદ્ધ આગળ ઝઝુમી રહી હતી ત્યારે પણ ખેડૂતોને ખેત પેદાશો વધારવા માટે, મિકેનિઝમ દ્વારા ખેતી કરવા માટે, ખેતમાં ખાતરોનો વપરાશ વધારવા માટે અલગ અલગ યોજનાઓ અને પૈસા આપવામાં આવતા હતા. કેમ કે દરેક દેશ જાણતો હતો કે જ્યારે આ યુદ્ધ પૂરું થશે ત્યારે બીજું યુદ્ધ ચાલુ થશે અને તે હશે અનાજનું, ભૂખમરાનું. અનાજ વગર કોઈ દેશ તો શું કોઈ માણસ પણ નથી ચાલી શકવાનો.
સમયાંતરે પ્રાદેશિક સરકારે પણ ખેતીને પ્રોત્સાન આપવા માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડી અને ખેડૂતોને રાહત આપી. જેમ કે, તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાએ ખુડુતોને મહેસૂલીમાંથી મુક્તિ આપતો ગુજરાતમાં કાયદો ઘડ્યો હતો. જ્યારે એવા પણ ઉદાહરણો છે કે અનાજ માટે અને અનાજની અછતના કારણે રમખાણો પણ થયેલા છે. 1973-74 ના સમયમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા ત્યારે ગુજરાતમાં અનાજની અછતના કારણે રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલન થયેલા છે. તેની અસર આગળ જતાં પુરા ભારતમાં પ્રસરી અને કટોકટીની પરિસ્થિતિ ઉભી થઇ.
પરંતું, આ લૉક ડાઉનમાં અવિરતપણે એક સેવા ચાલું છે, અને તે છે અનાજ. હા માણ્યું કે થોડી તકલીફો પડી, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં સવાર સાંજ જમવા માટે અનાજ મળી રહે છે તે મોટી વાત છે. અને તેનો શ્રેય ભારતના તમામ ખેડૂતને જાય છે. આ મહામારીમાં આંખો આગળ એવી પરિસ્થિતિ જોવા મળી છે કે જે ક્યારેય નહીં જોયી હોય. જ્યારે સરકારે લૉક ડાઉન ઘોષિત કર્યું કે તરત જ લોકો પોતાના ઘરની બહાર આવીને રાત્રે કરિયાણાની દુકાન, મોલ, બજાર બધે જ અનાજ લેવા માટે લાઈન અને પડાપડી કરવા લાગ્યા. તે સમયે માનવીના દિમાગમાં પ્રથમ વિચાર આવ્યો અને તે છે અનાજનો. દરેકના દિમાગમાં બસ એક જ સવાલ હતો કે પછી ખાવા માટે અનાજ નહીં મળે તો? જોકે ભારત પાસે અનાજનો જથ્થો મોટા પાયે સંગ્રહ કરેલો છે એટલે તેનો તો પ્રશ્ન ઉભો થતો જ નથી. પણ કેમ? સરકાર આટલા વિશ્વાસથી એટલા માટે બોલે છે કેમ કે ભારત પાસે એટલું અનાજ સંગ્રહિત છે કે તેટલું અનાજ ભાગ્યે જ કદાચ બીજા કોઈ દેશ પાસે હશે. અને તેની પાછળ માત્ર ખેડૂત અને તેની મહેનત જવાબદાર છે. જો આપણે સવાર સાંજ બે સમય શાંતિથી જમી શકીએ છીએ તો તે પ્રત્યેક ખેડૂતની મહેનતના કારણે.
મુશ્કેલ પરિસ્થિતિમાં દેશ અને દેશના લોકોને સંભાળવા માટે ખેડૂત, ખેતી અને ખેત પેદાશ જ કામ લાગી છે. હાલ જે મહામારી ચાલી રહી છે તેમાં જો પોતાનું ગુજરાન ચલાવા માટે અનાજ ની અછત ઉભી થઇ હોત તો? આપણે કલ્પના પણ નથી કરી શકતા એ પરિસ્થિતિની. આ લૉક ડાઉનમાં એટલું તો સમજવા જેવું છે કે 'દેશ બિઝનેસમેન થી નહીં પણ ખેડૂતથી અને ખેતરમાં પાકેલા અનાજથી ચાલે છે.' ભારતમાં ખેડૂત અને ખેતી હંમેશા ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ બનીને ઉભી રહી છે.
"ભારત ગામડામાં વસે છે અને કૃષિ એ ભારતીય અર્થવ્યસ્થાની આત્મા છે."- મહાત્મા ગાંધી.
✍️અક્ષ.
Comments
Post a Comment